વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી

1 min read

ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું અનોખું સંગમ છે, જે સંગીત પ્રેમીઓના દિલમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડાક જ સમયમાં આ ગીત ઓનલાઈન સેન્સેશન બની ગયું છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ઉત્તર ગુજરાતની ભૂમિમાં જન્મેલી કવિતા દાસે પોતાના પિતા ધનુદાસના માર્ગદર્શન હેઠળ સંગીતની દુનિયામાં અથાગ મહેનત કરી છે અને આજે તેઓ અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતી સંગીતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે. 1000થી વધુ ગુજરાતી આલ્બમ અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાના મધુર કંઠે જાદુ પાથરનાર કવિતાએ “વણઝારા” દ્વારા ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

“વણઝારા”ની સર્જનાત્મક ટીમ :-
“વણઝારા” એક એવું નજરાણું છે, જેમાં પ્રતિભાઓનું અદભૂત સંગમ જોવા મળે છે. કવિતા દાસના મધુર અવાજને સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક કુશલ ચોક્સીના મધુર સંગીતથી સજાવવામાં આવ્યું છે. મુનાફ લુહારની કલમે લખાયેલા શબ્દો ગીતને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જ્યારે સૌરભ ગજ્જર અને આકાશ પટેલની ટીમે દિગ્દર્શન દ્વારા ગીતને દૃશ્યમય રીતે અદભૂત બનાવ્યું છે. વિરાજ. પી દ્વારા પ્રસ્તુત આ ગીત ગુજરાતી સંગીતની ડિજિટલ દુનિયામાં નવો માઈલસ્ટોન સ્થાપી રહ્યું છે.

“વણઝારા” વિશે વાત કરતાં કવિતા દાસ કહે છે, “આ ગીત એક પ્રાચીન લોકગીતનું આધુનિક રૂપ છે, જે આજના શહેરી શ્રોતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને રચાયું છે. ‘વણઝારા’ એ ગુજરાતી લોક-સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો અતૂટ સેતુ છે.” આ ગીત ગુજરાતના સમૃદ્ધ વારસાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે યુવા પેઢી અને પરંપરાગત સંગીતના ચાહકો બંનેને આકર્ષી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી સંગીત
“વણઝારા”નું ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થવું એ ગુજરાતી સંગીતની વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. આ ગીત ન માત્ર ગુજરાતી સંગીતની સમૃદ્ધિને ઉજાગર કરે છે, પરંતુ ગુજરાતી કલાકારોની સર્જનાત્મકતા અને નવીનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

You May Also Like