રાજકુમાર જાટ ન્યાય સમિતિ હેઠળ ગુરુવારે ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરાશે
સુરત. ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુ ને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે સુરત ખાતે જાટ સમાજ સહિત રાજસ્થાનના વિવિધ સમાજ એક મંચ પર આવી રહ્યા છે અને રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળે તે માટે મેદાને ઉતરી રહ્યા છે. આ માટે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે.
આ અંગે નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટના ગોંડલ શહેરમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટ નું મોત થયું છે જેમાં પરિવારજનો દ્વારા રાજકુમારનું મોત અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ પોલીસ આ ઘટનાને અકસ્માતની ઘટના ગણાવી રહી છે.

જોકે રાજકુમારના મોતના એક દિવસ પહેલા ગોંડલના બાહુબલી એવા ગણેશ ગોંડલ જાડેજા રાજકુમાર જાટ અને તેના પિતા ને માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માર માર્યાની ઘટના બાદથી જ રાજકુમાર જાટ ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું છે.
ત્યારે આ સમગ્ર મામલો શંકાસ્પદ કહી શકાય ત્યારે આ ઘટનાનું સત્ય સામે આવે તે જરૂરી છે અને તે માટે જ અમે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરી છે અને રાજકુમાર જાટ અને તેના પરિવારને ન્યાય મળે તે માટે વિભિન્ન સમાજને સાથે આવવા આહ્વાન કર્યું છે. ત્યારબાદ ગુરુવારે સૌ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે જઈ આવેદન પત્ર આપી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગ કરશે. વધુમાં નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સરકાર પાસે ન્યાય અને મદદ મળે એવી અપેક્ષા છે.