ડોક્ટર્સ ડે નિમિત્તે હર્ષલ સર્જીકલ હોસ્પિટલ દ્વારા સુરત પોલીસ અધિકારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

સુરત: ડોક્ટર્સ ડેના અવસરે બુધવારે પરવત પાટીયા સ્થિત હર્ષલ સર્જિકલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરત પોલીસ કોમ્યુનિટી હોલ, અઠવાગેટ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર્ષલ સર્જિકલ હોસ્પિટલના સર્જન ડૉ. હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ સતત ફરજમાં વ્યસ્ત રહેતા હોવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ડોક્ટર્સ ડેના નિમિત્તે ખાસ પોલીસ અધિકારીઓ માટે આ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં પુરુષ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓના જનરલ હેલ્થ ચેકઅપ ઉપરાંત જરૂરી આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીઓ માટે હિમોગ્લોબિન, યુરિક એસિડ સહિતના જરૂરી ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાયો હતો. કેમ્પમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત વિવિધ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજ સુધી 787 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું ડૉ. મિસ્ત્રીએ જણાવ્યું હતું.

ડૉ. હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલ દ્વારા દર વર્ષે પાંચથી સાત જેટલા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ વર્ગના લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જોકે, સુરત પોલીસ માટે આ પ્રકારનો વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ પ્રથમ વખત યોજાયો છે.

ડોક્ટર્સ ડેના અવસરે તેમણે લોકોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને સતત તણાવપૂર્ણ અને વ્યસ્ત કામગીરી કરતા પોલીસ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની નિયમિત કાળજી રાખવી અત્યંત જરૂરી છે.