ઉતરાયણના રંગો ફેશનમાં ઢળ્યા: IDTની અનોખી પહેલ, બાળકો માટે પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન રજૂ

1 min read

સુરત, ગુજરાત: ઉતરાયણના ઉત્સાહ, રંગો અને પતંગોની ઉડાનને ફેશનની સર્જનાત્મક અભિવ્યક્તિમાં ઢાળતા Institute of Design & Technology (IDT) ના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ બાળકો માટે વિશેષ પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન તૈયાર કર્યું છે. આ કલેકશન ઉતરાયણની પરંપરાગત ભાવનાને આધુનિક ડિઝાઇન વિચાર અને બાળકોની સુવિધા સાથે સુંદર રીતે જોડે છે.

આ અનોખા પ્રોજેક્ટનું માર્ગદર્શન નીતા મેમ દ્વારા આપવામાં આવ્યું, જેમની પ્રેરણા અને અનુભવથી વિદ્યાર્થીઓએ ઉત્સવની ખુશી, બાળકોની માસૂમિયત અને ડિઝાઇનની બારીકીઓને એકસાથે પિરોવી છે. ડ્રેસ ડિઝાઇન કરતી વખતે કિડ્સ-સેફ ફેબ્રિક્સ, હળવા અને ચમકદાર રંગો, આરામદાયક ફિટ્સ તથા ફેસ્ટિવ પ્રિન્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી બાળકો આખો દિવસ આરામ અને સુરક્ષા સાથે ઉત્સવનો આનંદ માણી શકે.

વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું,
“અમે ઇચ્છતા હતા કે બાળકો જ્યારે આ ડ્રેસ પહેરે ત્યારે તેમને માત્ર ફેશન નહીં, પરંતુ ઉતરાયણની ખુશી, સ્વતંત્રતા અને રંગોની ઊર્જાનો અહેસાસ થાય. પતંગોના રંગો અમારી ડિઝાઇનની આત્મા છે.”

IDTની Director અંકિતા ગોયલે આ પહેલ અંગે જણાવ્યું,
“IDTમાં અમારો ફોકસ માત્ર ક્લાસરૂમ લર્નિંગ સુધી સીમિત નથી. ઉતરાયણ જેવા ભારતીય તહેવારોને લાઈવ ડિઝાઇન પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક ઇન્ડસ્ટ્રી અનુભવ અને સાંસ્કૃતિક સમજ બંને મળે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું,
“આ કલેકશનમાં વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે તેઓ સંસ્કૃતિ, આરામ અને સર્જનાત્મકતા—ત્રણેય વચ્ચે ઉત્તમ સંતુલન બનાવી શકે છે. આવી વિચારસરણી તેમને ભવિષ્યના સફળ અને જવાબદાર ડિઝાઇનર બનાવે છે.”

IDTની આ પહેલ શિક્ષણ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો પ્રેરણાદાયક સંગમ બની છે, જ્યાં ઉતરાયણનો ઉત્સવ ફેશનના માધ્યમથી બાળકોની સ્મિત અને રંગીન સપનાઓમાં રૂપાંતરિત થયો છે.

You May Also Like